19/11/2023
‘It’s Ok’. બસ એટલું જ પૂરતું છે. ‘ઓવર-કોન્ફીડન્સમાં હતા’, ‘ધીમું રમ્યા’, ‘બોડી લેંગવેજ નેગેટીવ હતી’, ‘ફલાણાને કારણે જ હાર્યા’ એવું કહેનારાનો રાફડો ફાટશે. પોઈન્ટ્સ ટેબલમાં અત્યાર સુધી ટોપ પર રહેલી અને ફાઈનલ સુધી અપરાજિત રહેલી ટીમ પર જો ગર્વ કરતા આવ્યા હોઈએ, તો એ જ ટીમના એક ખરાબ દિવસને કારણે તેમના પર ટીકાઓ કરવા લાગવી એ એક ‘ક્રિકેટ ફેન’ તરીકે આપણી inconsistency છે.
મારી દીકરીને હું એ જ સમજાવતો હતો કે જ્યાં અપેક્ષાઓ હશે, ત્યાં નિરાશાઓ પણ રહેવાની. This is just a game, પણ રમત સિવાય પણ નિરાશા, નિષ્ફળતા અને હાર્ટ બ્રેકને “it’s okay “ કહેતા રહેવું પડશે.
ઇન્ડિયન ટીમના હોઈએ કે કોઈ વ્યક્તિના, ચાહક હોવાનો અર્થ જ એ છે કે એમને બિનશરતી ચાહતા રહેવું. પ્રેમ કરનારા માટે હાર્ટ-બ્રેક કયાં નવું છે? દિલ તૂટવાની તૈયારી સાથે જેઓ કોઈને ચાહી શકે છે, તેઓ જ પોતાની જાતને આશિક કહી શકે છે. કરોડો લોકોમાંથી પસંદ કરેલા શ્રેષ્ઠ અગિયાર જણા પોતાનું સર્વશ્રેષ્ઠ આપીને પાછા ફરશે, અને એનો આપણને ગર્વ હોવું જોઈએ. જે ગેમ સાથે બાળપણથી ઈમોશનલી જોડાયેલા હોઈએ, એમાં પરાજય મળે તો છાતીમાં દુખાવો થાય એ Obvious છે. આપણી જેમ એ અગિયારમાંથી પણ ડ્રેસિંગરૂમમાં જઈને કોઈક તો રડ્યું જ હશે. આ આપણો સહિયારો અફસોસ છે. Collective heart break છે.
જે ઈચ્છ્યું હોય, એ ન મળે ત્યારનું આપણું વર્તન આપણું કેરેક્ટર નક્કી કરતું હોય છે. ફાઈનલ સુધી પહોંચીને ટૂંકા પડ્યાનો અફસોસ આપણને જિંદગી ભર રહેશે પણ એ અફસોસ માટે કોઈને જવાબદાર માનવા લાગીએ તો એ વાત ફરી એકવાર સાબિત કરી આપશે કે આપણે કોઈપણ જાતના બહાનાઓ કે આરોપો વગર હાર સ્વીકારી નથી શક્તા.
લગ્ન પછી બાળક ન થાય તો પત્નીને છુટ્ટા-છેડા આપીને બીજા લગ્ન કરી લેવાની માનસિકતા વચ્ચે કોઈ એક વ્યક્તિ કે ટીમને ‘ગમે તે સંજોગોમાં’ સાતત્યપૂર્વક ચાહતા રહેવાની અપેક્ષા થોડી વધારે પડતી છે, એ હું જાણું છું. પણ આ હાર પણ સેલીબ્રેટ કરવી જોઈએ. હારના કારણોનું પોસ્ટ-મોર્ટમ કર્યા વગર એમના પ્રયત્નો અને એમની નિયતને ઉદારતાથી વધાવી લઈએ તો આપણે સાચા ભારતીય. બાકી, નિષ્ફળ ગયેલી વહુ, વિદ્યાર્થી કે ટીમને ‘ટોન્ટ’ મારવાનું કામ આપણી અપરિપક્વતાને છતી કરે છે.
રડી લેશું થોડું એકાંતમાં. વ્યક્તિગત જીવનમાં સૌને અલગ અલગ રીતે તો મળતી જ હોય છે, આ સહિયારી નિષ્ફળતા સૌ સાથે મળીને વહેંચી લઈશું. કોઈ બ્લેમ-ગેઈમ નહીં, કોઈ ‘ટ્રોલીંગ’ નહીં. જેટલી ખેલદિલીથી એ લોકો રમ્યા છે, એટલી જ ખેલદિલીથી એમની હારને સ્વીકારી લઈએ તો સાચા સપોર્ટર.
ભૂરી જર્સી પહેરીને ‘બ્લીડ બ્લ્યુ’ના નારા લગાવવાથી કોઈપણ ક્રિકેટ ફેન થઈ શકે છે. ચાહત સાબિત કરવાનો અવસર ત્યારે જ આવે છે જ્યારે ખરેખર ખંજર વાગે અને વહી જતા લોહીનો રંગ ‘બ્લ્યુ’ હોય. પ્રેમ કરનારાઓ ન તો આરોપો કરે છે, ન તો ટીકાઓ. તેઓ ગમતા લોકોને ગળે મળીને તેમની નિષ્ફળતા માટે એટલું જ કહેતા હોય છે, ‘It’s Ok. We are with you.’
-ડૉ. નિમિત્ત ઓઝા ( Nimit Oza )